વિદેશી પત્રકારનો દાવો, બાલાકોટ એર સ્ટ્રાઈકમાં ઓછામાં ઓછા 130 આતંકીઓ માર્યા ગયા
ભારત જે બાલાકોટ એર સ્ટ્રાઈક અંગે બૂમો પાડી પાડીને કહેતું હતું અને પાકિસ્તાન સતત ના પાડી રહ્યું હતું તે બાલાકોટ એર સ્ટ્રાઈક અંગે એક વિદેશી પત્રકારે મોટો ખુલાસો કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત જે બાલાકોટ એર સ્ટ્રાઈક અંગે બૂમો પાડી પાડીને કહેતું હતું અને પાકિસ્તાન સતત ના પાડી રહ્યું હતું તે બાલાકોટ એર સ્ટ્રાઈક અંગે એક વિદેશી પત્રકારે મોટો ખુલાસો કર્યો છે. એવોર્ડ વિનિંગ ઈટાલિયન પત્રકાર Francesca Marinoએ દાવો કરતા કહ્યું કે ભારતીય વાયુસેનાની બાલાકોટ એર સ્ટ્રાઈકમાં 170 લોકો માર્યા ગયા હતાં. મેરીનોના જણાવ્યાં મુજબ આ એર સ્ટ્રાઈકમાં 130-170 આતંકીઓ માર્યા ગયા હોવાનું અનુમાન છે. મૃતકોમાં 11 ટ્રેનર હતા જેઓ બોમ્બ બનાવવાની અથવા તો હથિયાર ચલાવવાની તાલિમ આપી રહ્યાં હતાં. 45 જેટલા ઘાયલો હાલ સારવાર હેઠળ છે અને તેમની સારવાર કોઈ હોસ્પિટલમાં નહીં પરંતુ પાકિસ્તાન આર્મીના ડોક્ટરો કરી રહ્યાં છે એવું આ પત્રકારનું કહેવું છે.
નોંધનીય છે કે વિદેશી મીડિયામાં આ હુમલાને લઈને અનેક સવાલો ઉઠ્યા હતાં. પાકિસ્તાન સતત આ કાર્યવાહી થઈ જ નથી તેવું આંતરરાષ્ટ્રીય સ્તરે બતાવી રહ્યું છે. ફેબ્રુઆરીની 14મી તારીખે કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા બાદ ભારતે આ આક્રમક કાર્યવાહી કરી હતી. આ બાલાકોટ એ જૈશ એ મોહમ્મદનો મોટો કેમ્પ છે. આમ તો તે નિયંત્રણ રેખાથી ઘણું દૂર છે અને આતંકીઓને તાલીમ આપવા માટે એક સુરક્ષિત જગ્યા છે. અહીં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમને પણ તાલીમ અપાય છે. જેને લઈને આ હુમલામાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું હોવાનું ભારત સતત કહી રહ્યું હતું.
સાઉથ એશિયા રિપોર્ટિંગમાં સ્પેશિયલાઈઝ્ડ્ Francesca Marinoએ જે રિપોર્ટ ફાઈલ કર્યો તેમાં તેણે જણાવ્યું કે પુરાવા સાબિત કરે છે કે ભારતીય વાયુસેનાની આ એરસ્ટ્રાઈકથી જૈશના 130થી વધુ આતંકીઓ માર્યા ગયાં. સહયોગી ચેનલ WION સાથે વાત કરતા આ ઈટાલિયન પત્રકારે કહ્યું કે સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન દ્વારા આ અંગે ઢાંકપીછોડો કરવામાં આવ્યો. 130થી 170 આતંકીઓ આ સ્ટ્રાઈકમાં મોતને ભેટ્યાં. 45 જેટલા લોકો હજુ પાકિસ્તાન સારવાર હેઠળ છે. તેમની સારવાર કોઈ હોસ્પિટલમાં નહીં પરંતુ પાકિસ્તાન આર્મીના ડોક્ટર્સ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે વિગતો મળતા વાર લાગી કારણ કે સૂત્રો હજુ પણ ખુબ ડરેલા છે. ભારતની આ કાર્યવાહીના ઢાંક પિછાડામાં પાકિસ્તાની આર્મી અને જૈશ સામેલ હતાં. બધુ એકદમ ક્લિયર કરી નાખવામાં આવ્યું. તેમણે એમ પણ કહ્યું કે 'પાકિસ્તાની આર્મીના પ્રવક્તાએ તો એમ પણ કહી દીધુ કે જૈશ પાકિસ્તાનમાં છે જ નહીં. પરંતુ મારી પાસે એ ફોટા છે જેમાં એર સ્ટ્રાઈક પહેલાના અને પછીના સાઈન બોર્ડ છે. બધુ જ ક્લિયર કરી દેવાયું છે, કોઈ ટ્રેક નથી, જૈશના કોઈ ફૂટ ફ્રિન્ટ નથી.' તેણે વધુમાં એમ પણ કહ્યું કે તેણે બાલાકોટ એર સ્ટ્રાઈક પહેલાનો કેમ્પ અને પછીના કેમ્પના ફોટા પણ તેણે પબ્લિશ કર્યા છે.
Italian journalist @francescam63 speaks to WION about the fresh details that have emerged after the #BalakotAirStrike pic.twitter.com/ti0HRa7e5C
— WION (@WIONews) May 8, 2019
આ પત્રકારે પાકિસ્તાને જે રીતે વિદેશી મીડિયાને બાલાકોટ કેમ્પના સ્થળે લઈને એવું વાતાવરણ ઊભુ કર્યું હતું કે સ્ટ્રાઈક થઈ જ નથી. તે દાવાની પણ બરાબર હવા કાઢી નાખી. પત્રકારે કહ્યું કે પાકિસ્તાની આર્મીની છત્રછાયામાં સિલેક્ટેડ પત્રકારોના જૂથને ત્યાં લઈને જવાયા. તેમણે મદરેસાના જે ભાગને એકદમ ક્લિયર કરી નાખ્યો હતો તે જ ભાગ પત્રકારોને બતાવ્યો. આ કેમ્પ 2 કિમીમાં ફેલાયેલો છે. પત્રકારોને તો માત્ર એક જ ભાગમાં લઈ જવાયા હતાં. ત્યાં મદરેસામાં રહેલા કેટલાક બાળકોને ઝડપથી પ્રશ્નો પૂછવાનું કહેવાયું હતું. ગામડાથી આટલે દૂર બાળકો માટે કોણ મદરેસા બનાવે?
પત્રકારે શું લખ્યું છે રિપોર્ટમાં?
પત્રકારે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, 'જૈશ એ મોહમ્મદના કેમ્પ સુધી પહોંચવા માટે પહાડ પર ચઢાણ કરવું પડે છે. જ્યાંથી તેનો રસ્તો શરૂ થાય છે. બરાબર ત્યાં જ બ્લ્યુ પાઈન હોટલ છે. પહાડ પર પહોંચ્યા બાદ એક સાઈન બોર્ડ જોવા મળે છે. જેના પર તાલીમ ઉલ કુરાન લખ્યું છે. આ બોર્ડ પહેલાવાળા બોર્ડ જેવું નથી. જેના પર જૈશ એ મોહમ્મદ અને મસૂદ અઝહરનું નામ લખ્યું હતું. અઝહર વૈશ્વિક આતંકી જાહેર થયા બાદ બોર્ડ પરથી તેનું નામ હટાવી દેવાયું છે. જૈશનો આ આતંકી કેમ્પ સંપૂર્ણ રીતે પાકિસ્તાની આર્મીના હાથમાં છે. તેની કમાન મુજાહિદ બટાલિયનના કેપ્ટન રેંકના એક અધિકારી સંભાળે છે. કેમ્પ સુધી જવા માટે ધૂળ ભરેલા રસ્તા પર લોકોની અવર જવર પર પ્રતિબંધ છે. હાલત એ છે કે સ્થાનિક પોલીસ પણ અહીં સુધી પહોંચી શકતી નથી.'
જુઓ LIVE TV
ઈટાલિયન પત્રકારે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, 'હાલ કેમ્પમાં કેટલાક બાળકો અને 3-4 મોલવીઓ જોવા મળી રહ્યાઁ છે. કારણ કે તેને સંપૂર્ણ રીતે ખાલી કરાવી દેવાયો છે. જેથી કરીને જૈશની કોઈ પણ ગતિવિધિના નિશાન ન મળે. જૈશના કેમ્પની બરાબર બાજુમાં બિસિયન ટાઉનશીપ છે જ્યાં લોકો હજુ પણ ચર્ચા કરતા જોવા મળે છે કે હુમલાના બીજા દિવસે અનેક ગાડીઓમાં કાટમાળ ભરીને કુન્હાર નદીમાં ફેંકતા જોવા મળ્યું હતું. આ વિસ્તારોમાં એ પણ ચર્ચા છે કે જૈશએ પોતાના લોકોને ખાતરી અપાવી છે કે સમય આવશે ત્યારે ભારતીય વાયુસેનાની આ સર્જિકલ સ્ટ્રાઈકનો બદલો લેવામાં આવશે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે